Menu
 • News paper
 • Video
 • Audio
 • CONTACT US
 • હેતલ વોરા    13 October 2017 9:17 PM

  ઘંટાકર્ણ મહાવીર અને મહુડી તીર્થ

  આકઆકાશની ઓળખ

  દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા આજે પણ એ દેવનો મહિમા ગજાવી રહી છે

  કર્મયોગી, ઘ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યશ્રી બુઘ્ધિસાગરસૂરિશ્વરજી અઢારે આલમના અવઘૂત તરીકે ઓળખાતા હતા. જૈન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટીદાર, મુસલમાન અને રજપૂત સહુ કોઈ એમને એક સંત તરીકે આદર આપતા હતા....

  કર્મયોગી તરીકે સમાજમાં સુધારા કર્યા. જ્ઞાનયોગી તરીકે ૧૦૮ જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો આપ્યા અને ઘ્યાનયોગી તરીકે એમણે એમની સાધનાથી નિર્બળ સમાજને જાગૃત કર્યો.

  એ સમયે વિજાપુર, પિલવાઈ, વરસોડા અને માણસાની ભૂમિમાં વિહાર કરતા મુનિરાજ બુઘ્ધિસાગરજીએ જોયું કે અજ્ઞાનને કારણે પ્રજા વઘુ ને વઘુ વહેમોમાં ડૂબતી જતી હતી....

  ગામેગામ ભૂતપ્રેતની વાતો ચાલે. ઠેર ઠેર ડાકણ અને ચૂડેલના વળગાડથી ઘૂણતા લોકો જોવા મળે. ભૂવાઓ ધારે તે કરે. ભોળી પ્રજા વહેમમાં ડૂબી જાય. પ્રજાના શરીરમાં તાકાત તો ઘણી હતી, પણ એનું હૈયું સાવ નબળું પડી ગયું હતું...

  સંસારી કાળથી આવા વહેમ તરફ બુઘ્ધિસાગરજી મહારાજને ભારે નફરત હતી. એમને એની પોકળતાની ખબર હતી. ભૂતનો ભેટો કરવો એ ઠેર ઠેર ફરેલા પણ કયાંય ભૂત મળ્યું નહોતું. ભયને લોકો ભૂતનો વેશ પહેરાવતા હતા.

  પોતાના વતનની અવદસા જોઈને એમનું કાળજું કોરી ખાવા લાગ્યું. કોઇ મોંમાં ખાસડું લઈ કબર પાસે જાય, કોઈ પીરના થાનકે જઈ પંજા છાતીએ લે. ગરજે ગમે તેનો ગમે તેવો પ્રસાદ ચાખે !
  માનવતાની આ બેહાલી મહાસાઘુના કરૂણાભીના અંતરને બેચેન બનાવી રહી.

  એમણે આત્માની વાતો કરી, એકસોમાંથી એકાદને ગળે એ વાત માંડ ઊતરી. એમણે ચમત્કારની વાતો કરી, સોમાંથી નવ્વાણું ને ગળે એ ઉતરી.

  એમણે પોકાર કર્યો ઃ ‘અંતરમાં આત્મજ્યોતિ પ્રગટાવો, અદ્ભુત આત્માનંદ મળશે.’
  પરંતુ જગતના રસ અને રાહ જાણે જુદા હતા. એ તો એમ જ માને કે સાધનાનો પંથ તો સાઘુનો. પોતાને તો ચમત્કાર જોઈએ. જયાં ચમત્કાર, ત્યાં નમસ્કાર !

  પોતાના વિચારો પ્રગટ કરતા એ સાઘુરાજ કહે છે ઃ ‘નિષ્કલંક વજ્રાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી. આત્માની નિર્ભયતા અદ્રશ્ય થઈ છે. ધર્મ સગવડિયો બન્યો છે. માન્યા માટે માથું આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાર્થની મોટાઈ છે.’

  આવા સમાજને દોરવો કઈ રીતે ? પોતે યોગના અભ્યાસી હતા. અંતરમાં જીવોના કલ્યાણ માટે કંઇક કરી છૂટવાનો એ વિચાર કરી રહ્યા. માણસ મનથી ગુલામ બન્યો હતો. આત્મવિશ્વાસ ખોઇ બેઠો હતો. વહેમનો શિકાર બન્યો હતો. આવી દુર્દશાને જોઈ તેઓ મનોમન વિચારે છે -

  ‘કલ્યાણ અને પ્રેમનો ઝરો માનવીના હૃદયમાંથી શોષાઈ ગયો છે. ચિંતા, અસંતોષ અને ઈર્ષા આજે માનવજીવનનાં ખાસ અંગ બન્યા છે. દેહનુ જ પૂરું ભાન ન હોય, ત્યાં આત્માની પિછાન કોને હોય ?

  માણસ જાણે જીવતું ભૂત બન્યો છે. ભૂતને ભૂત જ મળે. બીજું શું મળે ?

  આ સાઘુની કરૂણા અજબ હતી. માનવીની આવી હીન દશા જોઈ એમનું હૈયું કકળતું હતું. એ તો મહુડીના દેરાસરના ભોંયરામાં આસો વદી તેરસની વહેલી સવારના ચાર વાગતાંથી પદ્માસન લગાવીને બેસી ગયા. છેલ્લા ત્રણ દિવસથી ન ખાવું, ન પીવું, ન હાજત-પાણી. અંગને સહેજે હલાવ્યા વિના આ સાધના કરવાની હતી.

  મંત્રસિઘ્ધિનાં ત્રણ દિવ્ય દર્શનો, આમાંથી એકનું ય દર્શન થાય તો મંત્રસિઘ્ધિ મળે. આ સાઘુને તો અમાસની પાછલી રાત્રે ત્રણ દિવ્ય દર્શનો થયાં, છતાં તેઓ તો એ જ ઘ્યાનમગ્ન દશામાં ડૂબી રહ્યા. એમનો સંકલ્પ તો શ્રી ઘંટાકર્ણ વીરના સાક્ષાત્ દર્શન કરવાનો હતો.

  વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરૂષ પ્રગટયા. હાથમાં ધનુષ અને બાણ. સાથે ધીરે ધીરે ઉંચે આવ્યા. કાનમાં ઝળકતા કુંડળ, માથે ચળકતો મુકુટ અને હાથમાં અજેય વીરતાને બતાવવાં ધનુષ-બાણ, કેડે કચ્છસહિત પ્રગટ થયેલ આ વીર પુરૂષનું દર્શન સાઘુના મનમાં રમી રહ્યું !

  એમણે ધરાઈ-ધરાઈ એનાં દર્શન કર્યાં. થોડા સમયમાં એ આકૃતિ અદ્રશ્ય થઇ. ત્રણ દિવસ બાદ આ સાઘુ બહાર આવ્યા. એમના મુખ પર દિવ્ય પ્રકાશ હતો.

  સાઘુએ ઉપાશ્રયમાં જઇને જે ઘંટાકર્ણ વીરની મૂર્તિનાં દર્શન થયા હતા તેની મૂર્તિ દીવાલ પર ચાકથી દોરી.
  પછી તેઓએ શિલ્પીને બોલાવ્યા અને કહ્યું ઃ ‘મેં સ્વપ્નમાં નીરખેલી મૂર્તિને તમે પથ્થરમાં ભક્તિભાવપૂર્વક સાકાર કરો. જુઓ, એના હાથમાં સંકલ્પનું ધનુષ્ય અને સિઘ્ધિનું બાણ છે. એનું એક કદમ આગળ બઢાવેલું છે. કેડ પર યોગીના જેવો લંગોટ છે. મસ્તકે રાજાનો મુગટ છે. એની મૂછો મૃત્યુંજય સૂચવે છે. એની આંખમાં અભય છે.’

  સાઘુએ કરેલું વીરનું વર્ણન અનેરું હતું, એની મૂર્તિ ઘડવી મુશ્કેલ હતી, પણ જમાનો સહકારનો હતો. શિલ્પીઓ રાત-દિવસ મથ્યા, આખરે મૂર્તિ તૈયાર થઈ.

  વળી મનમાં પ્રશ્ન થયો કે સંસારમાં મૂર્તિઓ કયાં ઓછી છે ? પૂજા-અલંકારના આડંબર કયાં ઓછા ચાલે છે કે નવાં વધારવા ?

  યોગીરાજે મઘુપુરી (મહુડી) ગામમાં આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી, પણ સાથોસાથે એક નિયમ પણ નક્કી કર્યો કે મૂર્તિની રોજેરોજની પૂજા બંધ. બાર મહિને માત્ર એક જ વાર, કાળી ચૌદશની રાત્રે હોમ- હવન સાથે, એની કેસરથી પૂજા થાય. એ માટે યોગીરાજે મંત્રો બનાવ્યા. એ મંત્રો હોમ વખતે બોલવાના હતા.

  આ સમકીતી દેવને નિવેદમાં માત્ર સુખડી ચડે. ગમે તેટલી સુખડી ચડે, પણ એ મંદિરની દીવાલની બહાર લઈ જવાય નહીં, અને રાત વાસી રખાય નહિ. ત્યાં ખવાય તેટલી ખાવ, બાકી વહેંચો - નાતજાતના ભેદ વગર સહુને વહેંચો !

  ગામની અઢારે કોમ એ સુખડી પામે. જાણે સુખડીનું સદાવ્રત બાંઘ્યું.
  બુઘ્ધિસાગરજી તો અઢારે આલમના અવઘૂત હતા. સાંપ્રદાયિકતા કે સંકુચિતતા એ મુનિના હૈયામાં નહોતી. એ સહુના હતા, સહુ એમના હતા....

  વિ. સં. ૧૯૮૦ના માગશર સુદી બીજના દિવસે આ દેવની પ્રતિષ્ઠા કરી.
  દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા આજે પણ એ દેવનો મહિમા ગજાવી રહી છે. એ કહે છે,
  ‘દેવ ઊભા છે, પણ સહુથી મોટી આસ્થા છે. મનને ચોખ્ખું રાખો. તમારી નાવને શ્રઘ્ધાના સુકાનથી હાંકો, બેડો પાર થઇ જશે.’

  યોગીરાજનો આ દિવ્ય સંદેશ આજે પણ સંભળાય છે.

  સાઘુરાજને આ વીરના પૂજનનો વિરોધ કરનારા પણ મળ્યા. એમણે ‘જૈન ધાર્મિક શંકા સમાધાન’ નામના ગ્રંથમાં ઘંટાકર્ણ મંત્રની પૂર્વાચાર્યોએ કરેલી મહત્તા દર્શાવી અને સુખડી ધરાવવાની વિધિની પરંપરા બતાવી.

  આસપાસના પ્રદેશના લોકોના વહેમનાં જાળાંઓ ભેદાઈ ગયાં. ભ્રષ્ટ થતી પ્રજાનાં સત્ત્વનું ધર્મ, આસ્થા અને આચારની ત્રિવેણીથી રક્ષણ કર્યું. હજારો ભાવિકોને નવી આસ્થા મળી, સાચી શ્રઘ્ધા મળી. ભૂત-પ્રેત અને પીરના વહેમમાં ડૂબેલી પ્રજાને નવું બળ મળ્યું. એના હૈયાની વીરતા જાગી ઊઠી, અંતરમાં નવી શ્રઘ્ધા પ્રગટી.

  હારેલા અને થાકેલા મનની કાણી નાવને જાણે તારણરૂપ દૈવી સહારો મળ્યો. આ દૈવી સહારો આત્માની તાકાત ખીલવનારો બને એ જ સાઘુરાજનો હેતુ હતો.

  આજે તો મહુડી હાજરાહજૂર દેવશ્રી ઘંટાકર્ણ વીરનું ચમત્કારિક તીર્થ બન્યું છે. દરેક કોમના યાત્રાળુઓ આવીને દેવને ચરણે પોતાનો ભાવભીનો અર્ઘ્ય ધરે છે.

  -કુમારપાળ દેસાઈ


  STAY CONNECTED

  FACEBOOK
  TWITTER
  YOUTUBE