Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પ્રકાશ બાંભરોલિયા   25 September 2017 9:07 PM

    મીરા રોડમાં વિશ્વ શાંતિ માટે નમસ્કાર મહામંત્ર-પાંસઠિયા યંત્રરાજની જાપ આરાધના સંપન્ન

    મુંબઈ, તા. ૨૪ :  નવરાત્રિના ચોથા દિવસે આજે મીરા રોડના શ્રી મીરા રોડ વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં  આગમ દિવાકર બા.બ્ર.પ.પૂ.ગુરુદેવ શ્રી જનક મુનિ મ.સા ના સુશિષ્ય  શાસ્ત્ર દિવાકર બા.બ્ર.પ.પૂ.ગુરુદેવ શ્રી મનોહર મુનિમ.સા.ના સ્વમુખે સામુહિક જાપ આરાધનાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા જોડાયા હતા અને વિશ્વ શાંતિ માટેના આ મહામંત્રની આરાધનાનો લાભ લીધો હતો.
     
    પૂ. ગુરૂદેવ શ્રી જનક મુનિ. મ.સા. દ્વારા અગાઉ ૧૯૯૫થી ૨૦૧૦ દરમ્યાન પાંસઠિયા યંત્રરાજની શરૂઆત કરાઈ હતી. ૨૦૧૦માં જનકમુનિ  મ.સા. કાળ થયા બાદ ૨૦૧૧થી આ પરંપરા એમના સુશિષ્ય પૂ. ગુરુદેવ શ્રી મનોહર મુનિ મ.સા. આગળ વધારી રહ્યા છે. નવરાત્રિના સમયે વર્ષમાં એક વખત આ આરાધનાનું આયોજન મ.સા. જ્યાં ચાતુર્માસમાં બિરાજમાન હોય ત્યાં કરે છે. આ પ્રકારની આરાધનાથી વિશ્વ શાંતિ, ઘર-સંઘમાં સુખ સમૃદ્ધિ વધે છે.
     
    આજે દેરાવાસી સંપ્રદાયના પૂ. આ. બુદ્ધિસાગર મ.સા.ના સંપ્રદાયના પ્રસન્ન કીર્તિ સાગર મ.સા. પણ આમંત્રણને માન આપીને ખાસ પધાર્યા હતા. એમણે જૈન ધર્મનો સંદેશ એક જ છે વિશ્વશાંતિ. જૈન ધર્મના દરેક સંપ્રદાય સાથે મળીને આવી પ્રવૃત્તિ કરે તો વિશ્વમાં શાંતિમય વાતાવરણ નિર્માણ થાય, જેનો લાભ સૌને મળે.
     
    મીરા રોડના શાંતિનગરના સેક્ટર છમાં આવેલા ઉપાશ્રયમાં આજે સવારના ૯.૩૦ વાગ્યાથી જાપ આરાધનાની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ગૌતમ પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી, જેનો લાભ મહેન્દ્રભાઈ વાડીલાલ ગાંધી (ધાનેરાવાળા), અ. સૌ. પ્રીતિબેન સંજયભાઈ ધોળકિયા, માતુશ્રી કલાબેન હસમુખભાઈ મગિયા પરિવાર (હસ્તે કલ્પેશભાઈ મગિયા-બોરીવલી)એ લીધો હતો.
     
    જાપ આરાધનામાં પુરુષો સફેદ વસ્ત્ર અને મહિલાઓ લાલ રંગની સાડી અથવા ડ્રેસમાં પધાર્યા હતા. અંદાજે એક હજાર શ્રાવક-શ્રાવિકાએ આ આરાધનાનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
     
     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE